
હીરાના ધંધા સાથે જોડાયેલા લોકોની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે.ખાસ કરી ને રત્નકલાકારોની. મંદીથી આર્થિક સંકડામણમા આવી ગયેલા લોકો હવે આપઘાતના પગલાંઓ ભરી રહ્યા છે.થોડા દિવસ અગાઉ રત્ન કલાકાર ના પરિવારની સામુહિક આપઘાતની ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં વધુ એક હીરાના ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિએ તાપી નદીમા કૂદી આપઘાત કરી લીધો છે.


સુરત શહેરના કતારગામ સુરત ખાતે રહેતા મનિષભાઇ જીવરાજભાઇ ગાબાણીને બે સંતાન છે.તેઓ પત્ની અને બે સંતાનનું ગુજરાન ચલાવવા હિરા દલાલીનું કામ કરી રહ્યા હતા. જોકે ઘણા સમયથી હિરામાં મંદી હોવાનાં કારણે હતાશામાં આવી ગયા હતા.દેવામાંથી બહાર નીકળવા માટે મનીષભાઈએ ખૂબ જ હવાતિયા માર્યા પરતું કઈ મેળ ન પડતા આખરે તેણે આપઘાત કરવાનું નક્કી કરી લીધું.
નિવાસ્થાન કતારગામથી 30 km દૂર માંડવીના બૌધાન ગામ પાસે આવી હિરા દલાલ મનિષભાઇએ બોધાન ગામ પાસે પસાર થતી તાપી નદીનાં બ્રીજ ઉપર નદીના ઉંડા પાણીમાં મોતની છલાંગ લગાવી જીવ ટૂંકાવી લીધું હતું.

સ્થાનિકોની નજર મનીષ ભાઈના મૃતદેહ પર જતા તેઓએ સ્થાનિક ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. સ્થળ પર દોડી ગયેલ ફાયર વિભાગની ટીમે ભારે જહેમતનાં અંતે મનિષભાઈની લાશને બહાર કાઢી હતી. માંડવી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ.
છેલ્લા ઘણા વર્ષોથી રત્નકલાકાર તેમજ હીરાના ધંધા સાથે જોડાયેલા લોકો માટે અવાજ ઉપાડતા ડાયમંડ યુનિયન વાઈસ પ્રેસિડેન્ટ સુરતના વાઇસપ્રેસિડેન્ટ ભાવેશ ટાંકએ જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગની આ મંદી કેટલાનો ભોગ લેશે એ ખબર નથી.આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે.પાર્ટીઓના ઉઠમણા સતત વધી રહ્યા છે.આપઘાતોના કારણે પરિવારોના માળા વિખેરાઈ રહ્યા છે.તેમ છતાં આ સરકાર રત્નકલાકાર કે હીરા ઉદ્યોગમાં કામ કરતા લોકોની કેમ વ્હારે નથી આવતી.
સુરતને સારું બનાવવા રત્નકલાકારોએ તનતોડ મહેનત કરી છે. તો આ રત્નકલાકારોની વ્હારે સરકાર ક્યારે આવશે.કમિટી બનાવી કાગળ પર મૂકી દીધી છે. પણ એથી અગાઉ કામગીરીના નામે મીંડું.







