
આ ટોળકીમા એક હીરા દલાલ અને બે પ્લંબર સામેલ છે. મુખ્ય આરોપી ભરત વિરુદ્ધ સુરત અને મુંબઈમા ત્રણ ગુના દાખલ છે. આ ઘટનામાં દિલ્હીના મહાવીર જ્વેલર્સના લાલાજી જેમ્સના નામે ઓળખ આપીને હીરા મેળવવામા આવ્યા હતા.


સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ઇન્ડિયામાર્ટ વેબસાઇટ પર 4,50,000ની કિંમતના હીરાની છેતરપિંડી કરનાર એક ઠગ ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ ઘટનામાં દિલ્હીના મહાવીર જ્વેલર્સના ‘લાલાજી જેમ્સ’ ના નામે ઓળખ આપીને સુરતના એક હીરા વેપારી પાસેથી હીરા મેળવવામાં આવ્યા હતા. ફરિયાદી હેત જયસુખ માવાણીએ 12 જુલાઈ, 2025ના રોજ લાલાજીભાઈ સાથે હીરાનો સોદો નક્કી કર્યો હતો. ત્યારબાદ 14 જુલાઈના લાલાજીભાઈનો સાગરીત ભાવેશ કાપડી ઘોડદોડ રોડ પર ફરિયાદી પાસેથી હીરા મેળવી ઓફિસમાં બતાવવાના બહાને ફરાર થઈ ગયા હતા, જેના પગલે ઉમરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.
બાતમીના આધારે, સુરત જિલ્લાના હલદરૂ ગામમાંથી આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપી ભરતકુમાર કરશનભાઈ કોંધોલ (ઉં.વ. 40, હીરા દલાલ), પિયુષ સબુરભાઈ આહીર (મીર) (ઉં.વ.19, પ્લંબર) અને વિપુલ ઉર્ફે ભાવેશ રામજીભાઈ કાપડી (ઉં.વ. 37, પ્લંબર)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. ભરતકુમાર કોંધોલ નવી મુંબઈનો રહેવાસી છે, જ્યારે પિયુષ અને વિપુલ સુરત નજીકના હલદરૂ ગામના છે. આ પૂછપરછમાં સામે આવ્યું કે, ભરતકુમાર અગાઉ પણ હીરા ચીટિંગના અનેક ગુનામાં પકડાઈ ચૂક્યો છે.આ ઝડપાયેલી ટોળકી દ્વારા ઉમરા પોલીસ સ્ટેશન અને જયપુર શહેરના માણેકચોક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. ભરતકુમાર કોંધોલનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે, જેમાં મહીધરપુરામાં 2, ખટોદરામાં 1 અને મુંબઈમાં વી.પી. રોડ, બી.કે.સી. અને એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનોમાં 1-1 છેતરપિંડીના ગુના નોંધાયેલા છે.







