
સુરત શહેરની ઈકોસેલ ક્રાઈમ બ્રાન્ચે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં ‘ગ્રીન વોલ એન્ટરપ્રાઇઝ’ નામની ફર્મ ચલાવતા આરોપીઓએ સ્ટોક માર્કેટ ટ્રેડિંગના નામે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પડાવી વિશ્વાસઘાત કર્યો હતો.

આ મામલામા મુખ્ય આરોપી હિરેન કૌશિકભાઈ જાદવની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં રૂપિયા 4.84 કરોડની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે.

ફરીયાદ મુજબ, આરોપીઓએ એક પૂર્વ આયોજિત કાવતરું ઘડીને 1 નવેમ્બર,2024થી 14 ઓગસ્ટ,2025 સુધીના સમયગાળા દરમિયાન તેમના ક્લાયન્ટો અને અન્ય ભોગ બનનાર રોકાણકારો પાસેથી ‘ગ્રીન વોલ એન્ટરપ્રાઇઝ’ ફર્મમાં સ્ટોક ટ્રેડિંગ માટે મોટી રકમ લીધી હતી.
આરોપીઓએ રોકાણકારો પાસેથી મેળવેલા રૂપિયા 4,84,90,000નો ઉપયોગ પોતાના અંગત ફાયદા માટે કર્યો હતો. કૌભાંડના અંતિમ તબક્કામાં, તેઓએ ટ્રેડિંગના હિસાબની “બેક ઓફિસ સાઇટ” બંધ કરી દીધી હતી.આ કૌભાંડમાં સામેલ અન્ય આરોપી નિમિતભાઈ શાહ ઓફિસ છોડીને નાસી છૂટ્યો હતો, જ્યારે હિરેન જાદવ રોકાણકારોના સવાલોનો યોગ્ય જવાબ આપવાનું ટાળી રહ્યો હતો. જ્યારે રોકાણકારોને પોતાના રૂપિયા પરત મળવાની કોઈ આશા ન રહી, ત્યારે તેમને વિશ્વાસઘાત થયાનો અહેસાસ થયો હતો. ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનાની તપાસ ઇકોસેલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર કે.એલ. ગાધે કરી રહ્યા છે. ફરીયાદી રૂતવિજ ભરતભાઈ કોઠારીએ આ મામલે ફરીયાદ નોંધાવી હતી. ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ત્વરીત કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, પોલીસને આરોપી હિરેન કૌશિકભાઈ જાદવ વિશે ચોક્કસ માહિતી મળી હતી, જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે અને તેના અન્ય સાગરિતોને ઝડપી પાડવા માટેના પ્રયાસો ચાલુ છે. આ ઘટનાએ સુરત જેવા આર્થિક કેન્દ્રમાં રોકાણકારોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. પોલીસે લોકોને અજાણ્યા લોકો કે ફર્મોમાં મોટી રકમનું રોકાણ કરતા પહેલા સાવચેત રહેવા અને તેમની પ્રામાણિકતાની સંપૂર્ણ તપાસ કરવા અપીલ કરી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ બાદ વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.







