હજીરા-ઘોઘા રો-રો ફેરીના ત્રણ વર્ષ પૂર્ણ

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

વિક્રમ સંવત 2080, કારતક સુદ દશમ.

સૌરાષ્ટ્ર અને સુરતનું અંતર ઘટ્યું, વેપાર, વ્યવહાર અને સંબંધ વધ્યા, ફેરીમાં દરરોજ 2000 મુસાફરો, 280 પેસેન્જર વાહનો, 200 ટુ-વ્હીલર અને 180 ટ્રકની હેરફેર

સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘાને દરિયાઈ માર્ગથી જોડતી રો-રો ફેરી સર્વિસને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે મુસાફરો અને માલસામાનની અવરજવર ખૂબ સરળ અને સુગમ બનાવી છે. જેથી સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રને મળતા સૌરાષ્ટ્રના જિલ્લાઓ આર્થિક રીતે મજબૂતાઈ મળી છે, અને વ્યવસાય-રોજગારીની નવી તકો ઉભી થઈ છે. રો-રોને કારણે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બન્યું છે, પરિણામે પ્રવાસન ઉદ્યોગ

ને પણ વેગ મળ્યો છે. મુસાફરો સહિત સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માલ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોંચી રહ્યો છે. જેથી સૌરાષ્ટ્રને રો-રો થકી એક મોટું બજાર મળ્યું છે. આમ, રો-રો સેવા એ માત્ર પરિવહન સેવા ન બની રહેતા સૌરાષ્ટ્ર અને સુરતના લોકો માટે સમૃદ્ધિની ચાવી સાબિત થઈ છે.

ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ 390 કિમી છે જે દરિયાઈ માર્ગે ઘટીને માત્ર 90 કિમી થઈ ગયું છે, પરિણામે ઈંધણની મોટી બચત થઈ છે. અત્યાર સુધીમાં રો-રો પેક્સ ફેરી સર્વિસ દ્વારા 1,65,185 લિટર ઇંધણની બચત થઈ છે. પરિણામે 32,408 મેટ્રિક ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયાનો અંદાજ છે. આ સેવા ઇંધણ બચત, રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને પ્રદૂષણને ઓછું કરી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા સાથે પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ સાર્થક કરી રહી છે.

ફેરી સર્વિસનું સંચાલન ‘DG સી કનેક્ટ’ બ્રાન્ડ નેમ હેઠળ ડેટોક્ષ ગ્રુપની કંપની ઈન્ડિગો સીવેયઝ પ્રા.લિ. કરે છે. સૌરાષ્ટ્રના લાખો લોકો વર્ષોથી ધંધાર્થે સુરત સ્થાયી થયા છે. તેઓ વર્ષ દરમિયાન મૂળ વ્યવસાય ખેતી અને માદરે વતન સાથે સતત કનેક્ટેડ રહે છે. સારા-નરસા પ્રસંગોએ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે, જે આ રો-રો સેવાને કારણે ઘટીને માત્ર 4 કલાકની થઈ ગઈ છે, વળી, સૌરાષ્ટ્ર અને સુરતના મુસાફરો પોતાની સાથે બાઈક કે કાર પણ ગામડે લઈ જઈ શકે છે, એ આ સેવાનો પ્લસ પોઈન્ટ બની રહ્યો છે.

દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં 20 જાન્યુઆરી-2023ના રોજથી દરિયાઈ માર્ગે રોરો ફેરી સેવા દ્વારા ટપાલ સેવા- ‘તરંગ’નો શુભારંભ કરાયો હતો. આ અગાઉ સુરતથી અમદાવાદ અને ત્યારબાદ ભાવનગર ટપાલો પહોંચતી હતી. પરંતુ હવે સુરત રેલ પોસ્ટ સર્વિસ ઓફિસથી હજીરા સુધી ટપાલ વિભાગના મેઈલ મોટર સર્વિસ વાહન દ્વારા ટપાલો પહોંચાડવામાં આવી રહી છે, જે રો-રો ફેરી દ્વારા ઘોઘા અને ત્યારબાદ ભાવનગર પહોંચતી કરવામાં આવે છે. પોસ્ટ વિભાગ દ્વારા દરિયાઈ માર્ગથી દેશની પ્રથમ ‘તરંગ પોસ્ટ સેવા’ની આ પહેલના કારણે દરિયાઈ પોસ્ટ પરિવહનથી સમય અને નાણાનો બચાવ થઈ રહ્યો છે. સુરતથી ભાવનગર અગાઉ ટપાલ પહોંચવામાં 32 કલાકનો સમય લાગતો હતો તે હવે આ સેવા થકી માત્ર 7 કલાક થઈ ગયો છે.

હજીરા-ઘોઘા રો-રો ફેરી સાઉથ ઈસ્ટ એશિયાની સૌથી મોટી ફેરી સેવા છે. ખંભાતના અખાતના હાઈટાઈડ રેન્જ અને ઉચ્ચ દબાણયુક્ત દરિયાઈ પાણીમાં 60 નોટિકલ માઈલ કવર કરે છે. વિશેષ વાત એ છે કે હજીરા ઘોઘા રોરો સેવા સાઉથ ઈસ્ટ એશિયાની સૌપ્રથમ સૌર ઊર્જા-સોલાર પાવરથી સંચાલિત સર્વિસ છે. ફેરીના જહાજ પર સોલાર પેનલો લગાવી છે, જેના કારણે 110 કિલોવોટ વીજળી ઉત્પન્ન થાય છે. જહાજમાં ઉપયોગમાં લેવાતી વીજળીની જરૂરિયાતના અંદાજિત 50 ટકા વીજળી સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થાય છે.

ઈન્ડિગો સીવેયઝ પ્રા.લિ.ના સી ઈ ઓ દેવેન્દ્ર મનરાલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સુરતના હજીરાથી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા સુધીની રોરો સર્વિસ શરૂ થનાર છે. આ રૂટ પર ફેરી માટે જેટી અને શિપ પ્લેટફોર્મના નિર્માણની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીના કારણે જળમાર્ગોનો પણ હવે વિકાસના માર્ગ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારની સાગરમાલા પરિયોજનાએ જલમાર્ગોમાં રહેલી વિપુલ સંભાવનાઓને ઉજાગર કરી છે.

વિવિધ કેટેગરીમાં મુસાફરો માટે સુવિધાજનક સફરના વિકલ્પો
રો-રો વેસેલ ‘વોયેજ સિમ્ફની’માં ઈકોનોમી, સ્લીપર, એક્ઝીક્યુટીવ, બિઝનેસ ક્લાસ, કેમ્બે લોન્જ અને કેબિન ક્લાસ એમ વિવિધ વિવિધ કેટેગરીમાં સુવિધાજનક સફરના વિકલ્પો છે. ટ્રક ડ્રાઈવરો માટે પણ અલાયદી સુવિધા ઉભી કરાઈ છે, અને તેઓને ચા-નાસ્તો અને એક ટાઈમ ભોજન પણ નિ:શુલ્ક પૂરૂ પાડવામાં આવે છે. કેમ્બે લોન્જમાં 14 વ્યક્તિ, બિઝનેસ ક્લાસમાં 78, એક્ઝીક્યુટીવમાં 316 વ્યક્તિ અને ઈકોનોમી ક્લાસમાં 92 વ્યક્તિનો સમાવેશ થઈ શકે છે.

રો-રો વેસેલ વિષે
જહાજ: વોયેજ સિમ્ફની
સુરતના હજીરાથી સવારે 8 અને સાંજે 5 વાગ્યે એમ બે ટ્રીપ શરૂ છે. આ બંને સમય અડાજણ બસ સ્ટેશનથી હજીરા ટર્મિનલ જવા માટે એસ.ટી. બસ સુવિધા પણ ઉપલબ્ધ છે.
ક્ષમતા
30 ટ્રક (50 મેટ્રિક ટનવજન સહિત)
100 પેસેન્જર કાર
500 પેસેન્જર+ 34 શીપ ક્રૂ સગવડતા
બે ફૂડ કોર્ટ

મુસાફરોની સુરક્ષા માટે અતિ આધુનિક સંસાધનો*
લાઈફ રાફ્ટ 22 નંગ (ક્ષમતા ૨૫ વ્યક્તિ)
મરીન ઈવેક્યુએશન ડિવાઈસ (જે તમામ મુસાફરોને ૨૫ મિનીટમાં બહાર કાઢી લેવાની ક્ષમતા ધરાવે છે), જે 2 નંગ (ક્ષમતા 3000 વ્યક્તિ) અને 2 નંગ (ક્ષમતા 300 વ્યક્તિ)માં ઉપલબ્ધ છે.
ફાસ્ટ રેસ્ક્યુ બોટ 1 નંગ (ક્ષમતા 09 વ્યક્તિ)

 

 

 

 

 

 

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ