

અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સાત વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો ,

તમિલનાડુમાં ઓળખ છૂપાવવા મજૂરી અને નાના કામ કરી રહ્યો હતો
સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશનમાં થયેલા સાત વર્ષ જુના હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપીને તમિલનાડુના કોઇમ્બતૂરમાંથી સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. 42 વર્ષીય આરોપી સીતારામ ત્રીનાથ પ્રધાન મૂળ ગંજામ, ઓડિશાનો રહેવાસી છે. હત્યા કર્યા બાદ સતત અલગ-અલગ રાજ્યોમાં નાસતો ફરતો હતો અને પોતાની ઓળખ છુપાવવા મજૂરી અને નાના કામ કરી રહ્યો હતો.
સીતારામ પ્રધાને વર્ષ 2017માં પોતાના જ સહકર્મચારી ચિત્રસેન નારાયણને સંચા મશીનથી માથામાં ગંભીર ઈજા પહોંચાડીને તેની હત્યા કરી હતી. અમરોલી પોલીસ સ્ટેશનમાં આ મામલે IPC કલમ 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી તરત જ નાસી ગયો હતો અને પકડાઇ ન જાય તે માટે સતત લોકેશન બદલતો હતો.
સુરત ક્રાઇમ બ્રાંચે ગુજરાત અને અન્ય રાજ્યોમાં નાસતા ફરતા આરોપીઓ સામે ઝુંબેશ શરૂ કરી હતી. આ માટે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાતમીના આધારે જાણવા મળ્યું કે, સીતારામ તમીલનાડુના કોઇમ્બટુરમાં વડાવલ્લી વિસ્તારમાં છુપાયો છે.
ક્રાઇમ બ્રાંચની ટીમ તત્કાલ તમિલનાડુ પહોંચી અને છ દિવસ સુધી લગાતાર તપાસ કરી. આ તપાસ દરમિયાન ટેકનિકલ માહિતી અને સ્થાનિક સ્તરે મજબૂત નેટવર્કના આધારે આરોપીને પકડી પાડવામાં સફળતા મળી. આરોપીની ધરપકડ કરીને સુરત શહેર લાવવામાં આવ્યો છે અને તેને અમરોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. પોલીસ હવે તેની પુછપરછ કરી રહી છે કે, સાત વર્ષ દરમિયાન તેણે અન્ય કોઇ ગુનાઓને અંજામ આપ્યો છે કે નહીં.







