સુરત કોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો: રૂ. ૩.૮૮ લાખના ચેક બાઉન્સ કેસમા એડવોકેટ મયુર આર. પટેલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી વેપારીને ૧ વર્ષની કેદ અને ૬% વ્યાજ સાથે વળતર ચૂકવવાનો આદેશ

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

સુરતની ૧૧મી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (સ્પેશિયલ એન.આઈ. એક્ટ કોર્ટ) શ્રી એચ. એ. બારડ સાહેબની અદાલતે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળના કેસમાં ફરિયાદી પક્ષે ઉપસ્થિત એડવોકેટ શ્રી મયુર આર. પટેલની અંત સુધીની મજબૂત કાનૂની લડત તથા ધારદાર દલીલોને માન્ય રાખી આરોપી વેપારીને દોષિત ઠેરવી ૧ વર્ષની સાદી કેદ તેમજ ચેકની રકમ ૬% વ્યાજ સહિત વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. વળતરની રકમ ન ચૂકવે તો આરોપીને વધુ ૩ માસની સાદી કેદ ભોગવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

એડવોકેટ મયુર પટેલ.

કેસની વિગત –

બમરોલી, સુરત ખાતે આવેલ ‘માં ચામુંડા ટેક્ષટાઇલ’ના પ્રોપરાઇટર શ્રી અશ્વિનભાઈ ગણેશભાઈ પટેલ પાસેથી શ્રીકુબેરજી ટેક્ષટાઇલ વર્લ્ડ, સારોલી ખાતે ‘ધ્રુવી ફેશન’ના નામે વેપાર કરતા આરોપી વિપુલભાઈ રમણીકભાઈ તેજાણીએ ઉધારમાં કાપડ ખરીદ્યું હતું. આ બાકી નીકળતી રકમ પેટે આરોપીએ યસ બેંકનો રૂ. ૩,૮૮,૬૯૫/- નો ચેક નં. ૬૦૪૮૩૮ લખી આપ્યો હતો. ફરિયાદીએ આ ચેક પોતાની પ્રાઇમ કો-ઓપરેટિવ બેંકની પાંડેસરા શાખાના ખાતામાં વટાવવા મૂકતા તે ‘ફંડ ઇન્સફિશિયન્ટ’ (ખાતામાં અપૂરતું ભંડોળ) ના શેરા સાથે પરત ફર્યો હતો. ત્યારબાદ એડવોકેટ શ્રી મયુર આર. પટેલ દ્વારા  કાયદેસરની ડિમાન્ડ નોટિસ આપવા છતાં નાણાં ન ચૂકવાતા ફરિયાદી દ્વારા સુરત કોર્ટમાં ફોજદારી કેસ નં. ૫૭૧૧૩/૨૦૨૩ દાખલ કરવામાં આવ્યો હતો.

નામદાર કોર્ટનું તારણ અને અવલોકન (Court’s Findings & Observations)

કેસની સમગ્ર ટ્રાયલ દરમિયાન અદાલતે ફરિયાદ પક્ષે રજૂ થયેલા દસ્તાવેજી પુરાવા, ડિલિવરી ચલણો, ઇન્વોઇસ બિલ તેમજ નામદાર સુપ્રીમ કોર્ટના પ્રસ્થાપિત ચુકાદાઓનું વિશ્લેષણ કરીને નીચે મુજબના મહત્વના અવલોકનો નોંધ્યા હતા: 

• કાયદેસરનું લેણું પુરવાર: ફરિયાદી દ્વારા રજૂ કરવામાં આવેલ ડિલિવરી ચલણો, જીએસટી ઇન્વોઇસ અને બેંક રિટર્ન મેમો પરથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે આરોપીએ ઉધાર માલ ખરીદ્યો હતો અને તેના કાયદેસરના લેણા પેટે જ ચેક આપ્યો હતો.

• ચેકની સહી અને ખાતા બાબતે કોઈ વિવાદ નહીં: આરોપીએ ચેક પરની પોતાની સહી કે તે ચેક પોતાના બેંક ખાતાનો ન હોવા બાબતે કોઈ ઇનકાર કે તકરાર લીધી નથી.

• ડિમાન્ડ નોટિસનો જવાબ ન આપવો: કાયદેસરની ડિમાન્ડ નોટિસ પહોંચી ગયા છતાં આરોપીએ તેનો કોઈ જવાબ આપ્યો ન હતો. નામદાર સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓને ટાંકીને કોર્ટે ઠરાવ્યું કે, નોટિસનો જવાબ ન આપવો તે દર્શાવે છે કે ચેક કાયદેસરની જવાબદારી પેટે જ અપાયો હતો અને ટ્રાયલ દરમિયાન લેવાયેલા બચાવો માત્ર પાછળથી ઊભા કરેલા (afterthought) છે.

• કલમ-૧૩૯ હેઠળનું અનુમાન: એન.આઈ. એક્ટની કલમ-૧૩૯ હેઠળ ચેક ધારકની તરફેણમાં કાનૂની અનુમાન ઉપસ્થિત થાય છે. આરોપી આ અનુમાનનું ખંડન કરવામાં કે કોઈ પણ સંભવિત બચાવ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે.

• પ્રોબેશનનો લાભ નકાર્યો: ઝડપથી બદલાતા વ્યાપારી અને આર્થિક માહોલમાં ચેક વ્યવહારની વિશ્વસનીયતા અને સુરક્ષા જળવાઈ રહે તે કોર્ટની ફરજ છે, જેથી આવા કેસમાં આરોપીને પ્રોબેશન કે રહેમનો લાભ આપવો ન્યાયોચિત નથી.

આ કેસમા અંત સુધી દલીલો કરી સજા અપાવનાર ફરિયાદી પક્ષના એડવોકેટ શ્રી મયુર આર. પટેલે જણાવ્યું હતું કે: “વેપાર-ધંધામાં આપસી વિશ્વાસ અને ચેક વ્યવહારની પવિત્રતા જળવાઈ રહે તે અત્યંત અનિવાર્ય છે. આરોપી પક્ષ દ્વારા સુનાવણી દરમિયાન ટેકનિકલ મુદ્દાઓ ઊભા કરીને જવાબદારીમાંથી છટકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ અમે અદાલત સમક્ષ ડિલિવરી ચલણો, ઓરિજિનલ ઇન્વોઇસ બિલ, કાયદેસરની નોટિસ બજવણીના પુરાવા અને નામદાર સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચુકાદાઓ સાથે સચોટ દલીલો રજૂ કરી હતી. નામદાર કોર્ટે અમારી તમામ કાનૂની દલીલોને માન્ય રાખીને આરોપીને ૧ વર્ષની કેદ અને ૬% વ્યાજ સાથે વળતર ચૂકવવાનો દાખલારૂપ હુકમ કર્યો છે, જે વેપારી આલમ માટે રાહતરૂપ છે અને ન્યાયતંત્ર પરનો વિશ્વાસ વધુ મજબૂત બનાવે છે.

 

Leave a Comment