


આ વાર્તા:
આજની આધુનિક જીવનશૈલીમા માણસ સુખની શોધમા સતત દોડતો રહે છે, પરંતુ આ દોડમા ક્યાંક પોતાનુંજ અસ્તિત્વ ગુમાવી બેસે છે. આ જ આંતરિક ખાલીપો અને માનસિક સંઘર્ષને ‘વિલન’ નાટક સ્પર્શે છે.

નાટકનો મુખ્ય પાત્ર એક ઓફિસ કર્મચારી છે,જે રોજિંદા એકધારા જીવનથી કંટાળી ગયો છે. અનિદ્રા અને માનસિક ખાલીપાથી પીડાતો આ કર્મચારી જીવનમાં કંઈક અલગ શોધવાની મથામણ કરે છે. વિવિધ ગ્રુપ સાથે જોડાતાં તેની મુલાકાત માર્થા સાથે થાય છે. માર્થા તેને બળવાખોર સ્વભાવ ધરાવતા શેખર સાથે પરિચિત કરાવે છે. ત્યારબાદ એક એવા ગ્રુપની રચના થાય છે, જ્યાં કોઈ ચોક્કસ નિયમો નથી અને વ્યક્તિ સામાજિક અપેક્ષાઓથી દૂર રહીને પોતાની અંદર રહેલા ગુસ્સા, અસંતોષ અને નિરાશાને વ્યક્ત કરી શકે છે. લેખક પંકજ પાઠકજીએ પોતાની અનુભવી કલમ દ્વારા આજના સમયમા પોતાની ઓળખ ઊભી કરવા માટે વ્યક્તિ જે સામાજિક અને માનસિક સંઘર્ષમાંથી પસાર થાય છે તેને અસરકારક રીતે રજૂ કર્યો છે.

નાટકનો વિષય ગંભીર છે અને પ્રેક્ષકને વિચારવા માટે મજબૂર કરે છે. દિગ્દર્શક સ્વપ્નિલ પાઠકે સ્ક્રિપ્ટની મૂળ ભાવનાને જાળવી રાખીને પોતાની દિગ્દર્શકીય સૂઝ સાથે નાટકને મંચ પર રજૂ કર્યું છે.
વિષયની ગંભીરતા વચ્ચે કલાકારો પાસેથી યોગ્ય અભિનય કઢાવવામાં તેઓ સફળ રહ્યા છે. અભિનયની વાત કરીએ તો શેખરની ભૂમિકામાં સંજય પરમાર વિશેષ ધ્યાન ખેંચે છે. પાત્રની બળવાખોર માનસિકતા અને આંતરિક આક્રોશને તેમણે સહજ અભિનય તથા અસરકારક બોડી લેન્ગવેજ દ્વારા જીવંત કર્યો છે. સૂત્રધાર તરીકે અભિષેક કર્ણિકએ પાત્રના આંતરિક સંઘર્ષને સુંદર રીતે વ્યક્ત કર્યો છે. માર્થાની ભૂમિકામા ધરતી ચિનોઈએ પાત્રને અનુરૂપ સંવેદનશીલ સહજ અભિનય કર્યો છે. ઇન્સ્પેક્ટર તરીકે સ્વપ્નિલ પાઠકએ સહજ અને વિશ્વસનીય અભિનય દ્વારા પોતાની આગવી છાપ છોડી છે. અન્ય ભૂમિકાઓમા મુકુંદ કિનખાબવાળા, નિતિન મોર્ય અને ચેતન કણીઆએ પણ પોતાની ભૂમિકાને અનુરૂપ સાથ આપ્યો છે.
નાટકની થીમને અનુરૂપ રૂમિ બારીયાનું સંગીત વાતાવરણને વધુ અસરકારક બનાવે છે, જ્યારે વૈભવ દેસાઈનું પ્રકાશ આયોજન નાટકના પ્રવાહને આગળ વધારવામાં સફળ રહ્યું છે. ચેતન કણીઆ ની સન્નિવેષ પરિકલ્પના નાટકનું જમાપાસું રહ્યુ
કુલ મળીને ‘વિલન’ નાટક માત્ર એક વ્યક્તિની કથા નથી, પરંતુ આજના માણસના મનમાં ચાલતા સંઘર્ષ, સામાજિક અપેક્ષાઓ અને પોતાની ઓળખની શોધની વાત કરે છે. નાટક પૂરું થયા પછી પ્રેક્ષકો પોતાની અંદર ચાલતા અનેક પ્રશ્નોના જવાબો મેળવવા મથામણ કરતા રહે છે. જે આ નાટકનો હેતુ પણ બની રહ્યો.
લેખન અને વિશ્લેશણ
– સલિલ ઉપાધ્યાય – નિલય જોખાકર








